આવળ ભારતીય ઉપખંડમાં જોવા મળતી એક વનસ્પતિ છે. જેને અંગ્રેજીમાં Avaram Senna કહે છે અને જેનું વિજ્ઞાનિક નામ Senna auriculate છે. આવળનાંફૂલ પીળા સોનેરી રંગના હોય છે. પીળા ફૂલતી શોભતી આ આવળ ભારતમાં બધે જોવા મળે છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન તથા મધ્યપ્રદેશના વન-વગડામાં, રસ્તાની પડખે કે પડતર જમીનમાં આવળના નાના છોડ વ્યાપક પણે જોવા મળે છે. છોડ ૩ થી 6 ફૂટ ઊંચા, અનેક ડાળીવાળા આમલીના પાન જેબા દરેક સળી ઉપર 8 થી 12 સંયુક્ત પાન, ફૂલ પીળા રંગના, નાનાં એન ગુચ્છામાં થાય છે. તેની ઉપર લાંબી, ચપટી, તપખીરી રંગની શીંગો થાય છે. જેની અંદર ગોળ-ચપટા 10 ક્ષદ્સ્દથી 12 બીજ થાય છે. આવળનો છાલ કપડા તથા ચામડા રંગવા ખાસ વપરાય છે. આવળની છાલ, પાન, ફૂલ, બીજ, મૂળ વગેરે દવા રૂપે વપરાય છે.
આવળનાં છોડ ગામડાના પાદરમાં-ખરાબમાં અથવા ગોચરની જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ઉગેલા જોવા મળે છે. આવળનાં છોડની ઊંચાઈ 3 થી 10 ફૂટની હોય છે. તેના છોડને ઘણી શાખાઓ નીકળેલી હોય છે. તેના પાન આમલીના પાનની જેમ સ્લી પર આવેલા સયુંકત હોય છે. તેના ફૂલોના ગુચ્છા દુરથી જોતા તેજસ્વી, પીળાં, સુવાસ રહિત અને ગુચ્છાદાર હોય છે. તેના ફૂલોના ગુચ્છા દુરથી જોતા ખુબ સુંદર લાગે છે. આવળનાં ફૂલમાં 10 પુંકેસર અને એક સ્ત્રીકેસર હોય છે. ફૂલ સુકાય છે ત્યારે લાલ રંગ ધારણ કરે છે. કેટલાક લોકો બાવળના અભાવે આવળનું દાંતણ કરે છે. આવળનું દાતણ પેઢાને મજબુત બનાવે છે.
આવળ નામના સમાનપણાને લીધે આવળનાં બે પ્રકાર ગણી શકાય: આવળ અને મીંઢી આવળ ઝાડાને રોકે કે, જ્યારે મીંઢી આવળ ઝાડા કરે છે. વૈદો આવળનો બહુ ઉપયોગ કરતા નથી, પરંતુ ગામડાના લોકો ઘરગથ્થું ઓસડ તરીકે તેનો ઉપયોગ કરે છે. લગભગ દરેક ગામડાના પાદરમાં સહેલાઈથી મોટા પ્રમાણમાં મળી આવતી આ સસ્તી અને ઉપયોગી વનસ્પતિનો ઔષધી તરીકે સૌએ ઉપયોગ કરવો જોઈએ.
આવળનો ખાસ ગુણ શોધન અને ગ્રાહી છે. આવળના મૂળની છાલનો કવાથ વધરાવળમાં ગુણકારી છે. માસિક ધર્મમાં આવેલી સ્રીઓને વધુ પડતો રજ: સ્ત્રાવ થતો હોય તો આવળનાં પંચાંગનો કવાથ ફાયદાકારક છે. તેની કુમળી શીંગો કૃમિનો નાશ કરે છે. આવળ આંખને હિતકારી છે આંખે દુખે ત્યારે તેના પાન બંધાય છે. તેને બી ચીમેડાની જેમ આંખમાં ભારણરૂપે વપરાય છે. આવળનાં પાન ચણોઠીના પાનની જેમ મોમાં રાખવાથી ગર્મથી આવેલું મો તથા મોના ચાંદા મટે છે. વાગેલા મારના સોજામાં તેના પાન હળદર સાથે વાટી, થેપલી કરીને બંધાય છે.
આવળ કડવી, શીતળ, ચક્ષુષ્ય અને પિત્તનાશક છે. એ મોઢાના રોગ, કોઢ, ચળ, કૃમિ, શૂળ, ગુમડા,ઉધરસ, વિષ, અર્શ, પિત્ત, કફ, તાવ, સોજો, રક્તવિકાર, ઉપદંશવિકાર, દાહ, તરસ વગેરે રોગોને મટાડે છે. આવળનાં ફૂલ પ્રમેહનાશક અને સુવર્ણસમાન રંગ આપનાર છે. ફૂલનું કેસર ઊલટી, કૃમિ, સર્વ પ્રકારના પ્રમેહ, તરસ વગેરેને મટાડનાર ચક્ષુશ્ય અને રુચિકર છે. તેની કુમળી શીંગો કૃમિનાશક છે. તેના બી પ્રમેહ અને મધુમેહનાશક, વિષહર અને રક્તાતિસારનાશક છે.
આવળનાં મૂળ ગુરુ, વાતપ્રકોપક, મધુર તેમજ શ્વાસ, રક્તપિત્ત, તરસ અને પ્રમેહને દૂર કરનાર, ધાતુ વીર્યના સઘળા રોગોને મટાડનાર અને શુક્રક્ષયમાં હિતકર છે. આવળનાં પાનનો સ્વેદ ચોટ લાગવાથી ઉત્પન્ન થયેલ વ્યથા અને વાતજ શોથને દુર કરે છે.
ચામડીના રોગો: આવળનાં પાનનો ફાંટ ચળ, ખસ, પગના તળીયાનો દાહ વગેરે ચામડીના રોગ અને જીણા તાવને મટાડે છે. કઠણ ગુમડું નરમ ન પડતું હોય તો તેના પર આવળનાં તાજાં લીલા પાન મૂકીને પાટો બાંધવાથી ગુમડું નરમ થાય છે અને પીડા મટે છે.
મરડો: આવળનાં મૂળનો કવાથ કરીને પીવાથી પેટની પીડા, ઝાડા, મરડો વગેરે મટે છે તેમજ ઉલ્ટીમાં ફાયદો થાય છે. આવળની છાલનો કવાથ જીર્ણ પ્રવાહિકા જૂના મરડા પર ફાયદાકારક છે. આવળ અને રિંગણીના મૂળની છાલ ઘસીને પાવાથી બાળકોના ઝાડા-ઊલટીમાં ફાયદો કરે છે.
ઉલ્ટી: આવળનાં મૂળનો કવાથ કરીને પીવાથી પેટની પીડા, ઝાડા, મરડો વગેરે મટે છે તેમજ ઉલ્ટીમાં પણ ફાયદો થાય છે. 10 ગ્રામ આવળનાં ફૂલને દુધમાં પીસી, ગાળી, તેમાં 10 ગ્રામ સાકર મેળવીને પીવાથી સગર્ભા સ્ત્રીઓને ઉલ્ટી તત્કાળ બંધ થાય છે. આવળનાં મુળની છાલ ચાવવાથી ઉદરશૂળયુક્ત અતિસાર અથવા ઊલટી પર તાત્કાલિક ફાયદો થાય છે. આવળની છાલ મીઠા સાથે પીસી, તેનો રસ કાઢીને પીવાથી અપચો, કોલેરા, દુર્ગંધવાળી ઉલ્ટી, શૂળ, અતિસાર વગેરે દર્દોમાં ફાયદો થાય છે.
સોજો: આવળનાં પાન, સાજીખાર અને આમલીનાં પાન બાફીને બાંધવાથી અથવા વાટી, ગરમ કરીને લેપ કરવાથી મૂઢમાર, ચોટ, હાથ-પગની મરડ, લચક વગેરેમાં ફાયદો કરે છે. આવળનાં પાન પેટના દુખાવા પર અને વાના સોજા પર પણ બંધાય છે. આવળનાં પાનને સુંઠ સાથે વાટીને લેપ કરવાથી રસવિકારનો સોજો મટે છે. આવળનાં પાન બાફીને વાળાના સોજા પર બંધાય છે.
અંગ જકડાવું: કોઈ અંગ ઝલાઈ ગયું હોય, વાંસો કે બરડો ઝલાઈ ગયો હોય તો આવળનાં પાન ખાટલા ઉપર પાથરી, તે પર કપડું પાથરી, તેના પર દર્દીને ચત્તો સુવાડી, ખાટલા નીચે અંગારાનો શેક આપવાથી ઝલાયેલા અંગો છૂટાં પડી થાય છે.
આંખનો દુખાવો: આવળનાં બી મોગલી એરંડાના દુધમાં ઘસીને આંજવાથી આંખના ફૂલા અને છારી દૂર થાય છે. આવળનાં બીનો મગજ ચીમેડની જેમ બારીક ઘૂંટીને દુખતી આંખમાં ભરાય છે. આવળનાં પાન દૂધમાં બાફી, આંખો બંધ કરી, આંખો પર બાંધવાથી દુખતી આંખો મટે છે.
ગાય-બળદનો આફરો: આવળનાં પાનનો કવાથ (ઉકાળો) કરીને પાવાથી ગાય-બળદનો આફરો મટે છે. ઢોરને શીતળા નીકળ્યો હોય પણ તેનો કવાથ પીવડાવાય છે. આવળનાં પાન મીઠા સાથે વાટી દિવસમાં બે-ચાર વાર ઢોર ની જીભ પર ઘસવાથી ઢોરના મોમાંથી વહેતી લાળ બંધ થાય છે અને ઢોર ચારો ખાવા માંડે છે.
બળદના રોગ: આવળનાં પાન અને બકાન લીમડાના પાન, મીઠા અને અજમા સાથે વાટી, બાજરીના લોટમાં મેળવી, મુઠીયા કરી, ઢોર-બળદને ખવડાવવાથી ઢોર-બળદના પેટમાં પડેલી જીવાત મટે છે. આવળનાં મુળની છાલ, તેમાં થોડું મીઠું ભેળવી, તેનો લાડુ બનાવી સાત દિવસ સુધી એક-એક લાડુ બળદને ખવડાવવાથી ગાડું કે હળ ખેંચતા વધારે જોર કરવાથી બળદ તૂટી ગયો હોય તો ફાયદો થાય છે.
અંગ મચકોડાવું: આવળનાં પાન ગરમ કરીને બાંધવાથી અથવા પાન વાટી, તેલમાં ખુબ કકડાવી, તેમાં હળદર મેળવીને બાંધવાથી સોજો મટે છે, તેમજ હાથ-પગ મચકોડાયા હોય તો ફાયદો થાય છે.
ડાયાબીટીસ: આવળન ફૂલોનો કવાથ પીવાથી મધુમેહ તેમજ બહુમુત્રતાનો રોગ પણ મટે છે. આવળનાં ફૂલોનો ગુલકંદ પ્રમેહ તથા પ્રદર રોગમાં સારો ફાયદો આપે છે. આવળનાં બી પાણીમાં વાટીને પીવાથી અને ડુંટી ઉપર તેનો લેપ કરવાથી મૂત્રાઘાત (પેશાબનો એક રોગ) દુર થાય છે. આવળનાં ફૂલોનો ઉકાળો અથવા આવળનાં પાન, ફળ, ફૂલ, મૂળ, છાલ અને બીજનું ચૂર્ણની અડધી ચમચી જમતા પહેલા લેવાથી અને જરૂરી પરેજી પાળવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.
આમ, આવળ વર્ષોથી ઉપયોગમાં લેવાતું અને ખુબ જ ઉપયોગી થાય તેવી ઔષધીય વનસ્પતિ છે. હાલમાં ગામડાના લોકો આવળનાં આ તમામ પ્રકારે ઉપયોગ કરે છે. અમે અહિયાં તમે પણ આવળને નકામો છોડ ગણવાને બદલે એક ઔષધ સમજીને તેનો ઉપયોગ કરી શકો એટલા માટે આવળ વિશે અને તેના ઉપયોગો વિશે અહિયાં આ માહિતી આપી છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને અનેક રોગમાં તમે તેનો ઉપયોગ કરી શકો.